Deep Work – અત્યારની ઇન્ફોર્મેશન ટૅક્નૉલૉજી પર આધારિત ઇકૉનૉમીમાં સફળતા મેળવવા માટે જે સૌથી અગત્યની આવડત છે તે ઓછી થતી જાય છે. આ આવડત છે Deep Work કરવાની. એકધ્યાન થઈને કામ કરવાની. આપણાં શાસ્ત્રોમાં આ રીતે કામ કરવાની પદ્ધતિને એકોપાસના કહેવાય છે. અત્યારે એમ માનવામાં આવે છે કે બિઝનેસ, શિક્ષણ, મનોરંજન અથવા ઉદ્યોગ ક્ષેત્રમાં ઇ-મેઇલ, ફેસબુક, ટ્વિટર અને વ્હૉટ્સઍપ જેવાં ઇન્ટરનેટ ટૂલ્સનો ઉપયોગ અત્યંત જરૂરી છે.
જે આ ટૂલ્સનો ઉપયોગ ન કરતાં હોય તેને ‘જુનવાણી’ માનવામાં આવે છે! પરંતુ એ જાણીને આશ્ચર્ય થાય કે બીલ ગેટ્સ જેવા સૌથી વધુ સફળ બિઝનેસમૅન અને ‘હેરી પોટ્ટર’ જેવી વિશ્વવિખ્યાત વાર્તાના લેખક જે. કે. રોલિંગ આવાં નેટવર્ક ટૂલ્સથી દૂર રહીને, એકાંતમાં રહીને, Deep Work કરે છે. તેમને મળેલી અપ્રતિમ સફળતામાં આ Deep Workનો મહત્ત્વનો ફાળો છે. અમેરિકાના જાણીતા લેખક અને બ્લૉગર, કાલ ન્યુપોર્ટ જણાવે છે કે Deep Work એટલે કોઈપણ જાતની ખલેલ વિના, એક જ બાબત પર કૉન્સન્ટ્રેશન કરીને થતું કામ. જે કામમાં માહિતી અને ડેટા મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેમાં આ પ્રકારનું Deep Work કરવાથી ઓછા સમયમાં વધુ સફળતા પ્રાપ્ત થાય છે.
આમ છતાં અત્યારે મોટાભાગના લોકો ઉપરછલ્લાં, બિનમહત્ત્વનાં કામમાં ઘણો સમય બરબાદ કરે છે. દિવસનો મોટોભાગ ઇ-મેઇલ્સ, ફેસબુક, ટ્વિટર અને વ્હૉટ્સઍપ પર મૅસેજની આપ-લેમાં ચાલ્યો જાય છે. કાલ ન્યુપોર્ટ જણાવે છે કે અત્યારના સમયમાં પણ Deep Work કઈ રીતે થઈ શકે. ઉપરછલ્લાં કામને અવગણીને મહત્ત્વનાં કામ એકધ્યાન થઈને કરવાથી વધુ સફળતા મળે છે, સ્ટ્રેસ ઓછું થાય છે અને કામની ગુણવત્તા વધે છે. આ પુસ્તકમાં ન્યુપોર્ટે ફોકસ કઈ રીતે વધારવો, ખલેલ કરતી બાબતો કઈ રીતે અવગણવી અને Deep Work કરીને પોતાના ક્ષેત્રમાં સફળતા કઈ રીતે પ્રાપ્ત કરવી તેના નિયમો અને ટિપ્સ જણાવ્યા છે.
જે કોઈને અત્યારની સતત બદલાતી ઇકૉનૉમીમાં સફળ થવાની ઇચ્છા હોય તેને આ પુસ્તક ઘણું મદદરૂપ થઈ શકે તેમ છે